વારસદાર….એક રહસ્ય…

  • Story

શિયાળા ની આહલાદક સવાર, સુરાજખેડા એટલે એક નાનકડી કોલોની, સેવન હાઈટ્સ નામની બહુમાળી ઇમારત ની પાસે આવેલી એક કોલોની જેનું નામ ભાગ્યેજ કોઈ રીક્ષાવાળાને ખબર ના હોય એવું બને! આસપાસના વિસ્તાર માં આ કોલોની એમાં રહેતા અમીર લોકો ના મોટા મકાનોને લીધે ખુબજ ઓળખાય. હું બાજુ ની પોળમાં રહું, છેલ્લાં આઠેક મહિનાથી હું એ ગંદી, વાહિયાત પોળ ની એક સામાન્ય કે પછી સામાન્યથીએ ઉતારતા દરજ્જાની કહી શકાય તેવી ખોલીના સહારે હતો. ગંગાનગરમાં આવેલ મારુતિ કુરિયરમાં ડીલીવરી બોય તરીકે કામ કરી પેલી ગંદી ખોલી નું ભાડું અને મારા જમવાનો ખર્ચ કાઢી લેતો.

મારા જીવન માં કંઇજ સારું નહતું એમ ન કહી શકાય કેમકે મને રોજ સવારે સૂરજખેડા ના ભવ્ય મકાનો પાસેથી ચાલતા પસાર થાવાનો, એ ભવ્ય મકાનો ને જોવાનો અને ખાસ તો ક્યારેક હું પણ આવા મોટા મકાન માં રહેતો હોઇશ એવા સપના જોવાનો અવસર મળતો.

આમ તો મારા જેવા મિડલક્લાસથીયે નીચી કક્ષાના માણસ માટે આવા સપના જોવા સારી બાબત નથી પણ મારી વાત જરાક જુદીજ હતી. હું આ શહેર માં એક સપનું લઈને આવ્યો હતો અને એ સપનું પૂરું કરીનેજ જંપીસ. ભલે એ માટે મારે ગમે તે કરવું પડે, ભલે પછી ગમે એવું ખરાબ કામ કરવું પડે, હું બેઇમાની થી લઈને હત્યા સુધી કાઈ પણ કરવા તૈયાર હતો. અને કેમ ના હોઉં? હું શા માટે ગરીબી માં જીવું? શું હું ભણ્યો નથી? શુ હું મહેનત કરવા તૈયાર નથી? ના એવું નથી. એવા અનેક સવાલો મારા મનમાં ઉદ્દભવતા. હું ભણેલ છું, ગુજરાતી તો ઠીક છેક અંગ્રેજી ભાષાય મને વાંચતા આવડે છે ને એટલેજ તો મને કુરિયર બોય માં નોકરી મળી હતી !કુરિયર પર સરનામાં અંગ્રજી માં લખેલા હોય છે એ વાંચતાં આવડતા એટલેજ તો મહિનાના ચાર હજાર રૂપિયા આપતા સુરેશ શેઠ, કાઈ આમજ નહોતા આપતા, દુનિયા માં કોઈ કોઈના પર મહેરબાની કરતું નથી એમાંયે સુરેશ શેઠ… એની વાત જવા જ દો.. સાલા નું ખાલી નામજ શેઠ, બાકી એક નંબર નો ભિખારી, સાલો ભિખારી વગર ફાયદે તો એના બાપ નેય એક રૂપિયો આપે એવો નહતો !

રોજની જેમ સવાર નો સમય હતોને હું સૂરજખેડા ના એજ મહેલ જેવા બંગલા આગળથી પસાર થઈ રહ્યો હતો. રોજ ની જેમ એ સપનાઓ ના મહેલ ને નિહાળવા તેની સામે આવેલ બાગની બહારની બેન્ચ પ બેસીને મારા વિચારોમાં ખોવાયેલો હતો. તમને લાગતું હશે કે આમાં નવું શું છે? આવું તો દરેક ગરીબ માણસ વિચારતો જ હોય છે પણ ના આ મારી જિંદગીની મોટી વાત છે ને એમાં હજુ સુધી કાઈ સામાન્ય કહી શકાય એવું બન્યુજ નથી. હું બાર વરસ નો થયો ત્યારે મારી મમ્મી બીમારી નો ભોગ બની ચાલી ગઈ. એજ બીમારી જે દરેક દારૂડિયા પતિની પત્ની નો ભોગ લે, તેલની મિલ માં કામના વધુ પડતા બોજાએ એને ત્રીસેક વર્ષ ની ઉંમરે વૃદ્ધ બનાવી નાખી ને પછી એ વૃદ્ધ જેવું થઈ ગયેલ શરીરનું કામ તમામ કરવામાં તો માંડ એ ફેક્ટરી ના કામે છ એક મહિના જેટલો સમય લીધો. માં ની ખોટ દરેકને વર્તાય પણ મેં પહેલાજ કહ્યુંને કે મારું જીવન સામાન્ય કે દરેકથી જુદુજ છે. મને માં ની કોઈ ખાસ ખોટ ન સાલતી, મને આમેય ક્યાં માં સાથે રહેવા મળતું. સવારે હું શાળા એ જતો, ગામની સરકારી નિશાળમાં જ્યાં અમને કપડાં ને ચોપડા મફત મળતા એટલે બાપા ને મને શાળા એ મુકવામાં કાઈ વાંધો ન હતો. બપોરે શાળાએ થી પાછો આવું ત્યારે માં મિલ માં કામ કરવા ગયેલી હોય, એ ક્યારેય હાજર ના જ હોય. ઓરડા માં એક જુના લાકડા ના કબાટ માં રોટલો ને શાક બનાવીને જો મુકેલા હોય તો ખાઈ લેવાનું ને જો બાપ ની દારૂ માટે એમના પૈસા ઓછા પડ્યા હોય ને માં એ બે ચાર લાતો ને વિસ પચાસ ગાળો ખાધા પછી હાર માની પૈસા બાપને આપી દીધા હોય તો પછી જય શ્રી રામ, સારા માણસ ની જેમ ભગવાનનું નામ લઇ, એકાદ બે ગ્લાસ પાણી પી સુઈ જવાનું કે જો શરીરમાં ભૂખ્યા ભૂખ્યા દોડવાની તાકાત હોય તો રમવા જવાનું.

સૂર્ય આકાશ માં આગળ વધી રહ્યો હતો ને તેના કિરણો ચારે બાજુ ઉત્સાહ અને તાજગી વિખેરી રહ્યા હતા. કદાચ મારા સિવાય ત્યાં કોઈનાએ ચેહરા પર નારાજગી નહતી. મારી પાછળ રહેલ બાગ ના ફૂલો મહેકી રહ્યા હતા ને તાજી હવા એ ફૂલો ની ખુશ્બુ ને પેલા મહેલજેવા ભવ્ય બંગલા તરફ લઈ જઈ રહી હતી. બાગ ની અંદર અને બહાર રસ્તા ના કિનારે રહેલ વૃક્ષો ની ડાળીઓ માં બેઠેલા પક્ષીઓ તેમના સ્વરની મધુરતા છતી કરવા મીઠા અવાજે ગાઈ રહ્યા હતા. મને લાગે કદાચ આ અમીરો ના માહોલની હવામાંજ કૈક જાદુ છે. એ જાદુઈ હવા બધાને કેવો અજબ ઉત્સાહ આપે છે. એ ઉત્સાહમાં કેટલાક લોકો તેમના લાબ્રા ડોગ તો કેટલાક તેમના જર્મન શેફર્ડને વોકિંગ પર લઇને નીકળ્યા હતા તો કેટલીક આધેડ ઉમર ની મહિલાઓ પણ તેમના પોમેરિયન સાથે હળવા ડગલે દોડી રહી હતી. ચોક્કસ આ શહેરી હવામાં કાંઈક જુદુજ જાદુ છે નહીંતર આટલો ઉત્સાહ ક્યાંથી હોય. જુવોને હુએ જ્યારે પંદરેક વર્ષનો થયો ને મારા બાપ એ બીજા લગ્ન કર્યા ને નવી માં એ એકાદ અઠવાડિયામાં જ મને ઘર માંથી હાંકી કઠાવેલો ત્યારે માત્ર પેટ ભરવાં ના વિચારે અહીં આવેલો પણ આ હવા એ મને પણ ઉત્સાહથી ભરી મહેલોના સપના જોતો કરી દીધો. ઘર છોડવું પડ્યું ત્યારે માત્ર બે જ વિચારો હતા હવે ક્યાં જાવુને આ નવી માં માટે ક્યુ સંબોધન વાપરવું, અમે ગામડાની સરકારી શાળા માં ભણેલા સામાન્ય માણસ, અમને ક્યાં સુધરેલા માણસો જેમ અંગ્રેજી બોલતા આવડતું હતું કે “માય ફાધર મેરીડ એ ટોટલ બીચ સો આઈ હેવ લેફ્ટ ધેટ હાઉસ.”

જવાદો એ બધું, ત્યારે માત્ર બેજ વિચારો હતા એક ક્યાં જવું એનો જવાબ હતો જે પહેલી બસ મળે એમાં બેસી જાવુને એ જ્યાં લાઇ જય ત્યાં જાવુએ પણ ટિકિટ ના ભાડા વગર ને બીજો સવાલ હતો નવી માં માટે ના સંબોધનનો તો કોઈ ખાસ સંબોધન તો ત્યારે નહતું સુજ્યું એટલે ગામડાની ગુજરાતી માં જે ફાવી એ ગાળો ભાંડી.

આ શહેરના છોકરા શાળાએ જાય ત્યારે કેટલો ઉલ્લાસ હોય છે એમના ચેહરા પર! હું રોજ સવારે એમને જતા જોઉં છું આજ બેન્ચ પર બેસી ને. એ દીવસે પણ હું એજ બેચ પર હતો ને બધુજ રોજની જેમ સામાન્ય ચાલી રહ્યું હતું. બસ રોજની જેમ પેલો અમારા વિસ્તાર માં રહેતો મનુડો હજુ સામેના બંગલામાં છાપું નાખવા ન હતો આવ્યો. બસ એ આવી ને છાપું નાખી જાય એટલે હુએ જાઉં અહીંથી કામ પર. એ વિચારોમાં હું ડૂબેલો હતો. હું રોજ ત્યાં બેસતો કે કોક દી મનુડો છાપું આપવા આવે ત્યારે આ મહેલનો માલીક દરવાજો ખોલી બહાર આવશે ને એ વખતે મને આ મારા સપનાના મહેલ ને ખુલ્લા દરવાજામાંથી અંદરનો ભાગ જોવા મળશે. પણ એવું છેલ્લાં છ મહિના સુધી નહતું થયું. મનુડો દરવાજા નીચેથીજ છાપુ સરકાવી દેતો એ દરવાજો કયારેય ખુલતોજ નહી. કદાચ એ દિવસે એ દરવાજો ખુલવાનો હશે તો સાલો મનુડો જ ન આવ્યો!

હું મનોમન મનુડાને ગાળો ભાંડી રહયો હતો ત્યાંજ અચાનક એ દરવાજો ખુલ્યો ને એ ખુલ્લા દરવાજામાંથી એક મહિલા મને બોલાવી રહી હતી. પહેલા તો મને એમ લાગ્યું કે એ કોઈ બીજાને બોલાવી રહી હતી પણ પછી મને ખ્યાલ આવ્યો કે એ મારા તરફ હાથ કરી રહી હતી ને મારી આસપાસ બીજું કોઈ હતું પણ નહીં. લો આજે પહેલી વાર નાસીબે સાથ આલ્યો , જે મહેલ ને જોવા આટલો ઉતાવળો હતો એ મહેલજ મને સામેથી બોલાવી રહ્યો છે. એવા વિચારો થી હું ખુશ થઇ ગયો. હું હોંસ ભેર ત્યાંથી ઉભો થયો અને મારી આસપાસના આનંદ સભર વાતાવરણ વચ્ચેથી પેલી ઉતાહભરી હવાને ચીરતો મહાન તિરંદાજ ના તીર ની જેમ આગળ વધ્યો, જોકે મારી ગતી તિર જેટલી ઝડપી ના હતી પણ એ તીરને લક્ષ સુધી પહોંચવાની ઉતાવળ હોય એથીયે વધુ ઉતાવળ હતી મને એ મહેલ માં જવાની, એના અંદર રહેલા ભવ્ય રાચરચીલું નિહાળવાની ને એનાથી મંત્રમુગ્ધ થવાની!

મારી નવાઈ વચ્ચે હું એ મહેલ માં દાખલ થયો. મારુ ધ્યાન હું છેક ફોયર માં પહોંચ્યો ત્યાં સુધી એ ઘરની ઝાકમઝોળ પર હતી. પણ એકાએક મારુ ઘ્યાન મને અંદર બોલાવનાર મહિલા પર ગયું. હું એકદમ ડઘાઈ ગયો. એ મહિલા એક જીર્ણ થઈ ગયેલી સ્ત્રી હતી. તેની ઉમર ત્રીસેક વર્ષ હશે. તેની આંખો ઉંડી ઉતરી ગયેલ હતી અને જેમ ચોમાસામાં વાદળ આકાશને ઘેરી વળે તેવી દુખ ની છાયા તેના ચહેરા ફરતે વિટળાયેલી હતી ! મને નવાઈ લાગી કે આવા રાજમહેલમાં રહેનાર વ્યક્તિને વળી શું તકલીફ હોય કે જેનાથી તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હોય ! એકાદ ક્ષણ માટે મેં એના તરફ સહાનુભૂતિ ભરી નજરે જોયું પણ બીજીજ પળે વર્ષો થી અમીર અને સુખી માણસો પ્રત્યેની મારી નફરતે મારી આંખો માં જગ્યા બનાવી લીધી.

પેલી સ્ત્રી એ મારી તરફ જોઈ જોર થી કહ્યું, “ક્યાં ખોવાઈ ગયા છો?” ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે તેણીએ મને કોઈક કામથી બોલાવ્યો હતો.

“હા શુ કામ હતું?” મેં વિચારો માંથી બહાર આવી બને એટલા મીઠા અવાજે કહ્યું જેથી એ મારા દિલમાં રહેલા ઝેર ને જાણી ન શકે.

” જરાક આ તિજોરીનો દરવાજો ખોલી આપોને મારા હાથ કમજોર પડી ગયા છે ને આ દરવાજો વર્ષોથી બંધ છે એટલે ખુલી રહ્યો નથી. તમારા જેવા જુવાનીયાનું કામ છે આવા દરવાજા માટે.”

“એમાં શું” કહી હું આગળ વધ્યો, મારી આંખો ત્યાં શુ ચાલી રહ્યું છે એ સમજી ના શકી, કાશ એ સમયે મેં એ બંગલાના રાચરચીલું ની ઝાકમઝોળને બદલે એ સ્ત્રી ની કોરી આખો પર ધ્યાન આપ્યું હોત!

હું ઇટાલિયન માર્બલ પાર ઉતાવળે ડગલા ભરતો, ઓક ટીમ્બર માંથી બનાવેલ થ્રી લેગ ટેબલ પાસેથી પસાર થઈ એ તિજોરી પાસે પહોંચ્યો. મેં તિજોરી નો દરવાજો ખોલ્યો, જરાક જોર લગાવવું પડ્યું પણ મારે માટે એ કામ કાઈ ખાસ મુશ્કેલ ન હતું. મેં ગામડે મજુરી કામ પણ કરેલું હતું. માં ના અવસાન બાદ બે વરસ સુધી મેઘુભા ની વાડી માં હાળી બનીને બાપ ના દારૂ ના પૈસા પુરા પડ્યા હતા ને ત્યારબાદ બાપ ને દારૂ નો ખર્ચો પુરો પાડે એવી બીચ મળી ગઇ એટલે એમને મને… હી પીસડ મી આઉટ વ્હેન હી ગોટ ધેટ બીચ… હી વોઝ ટોટલ એસ….

તિજોરીનો દરવાજો ખુલતાજ હું મારા વિચારોમાંથી બહાર આવી ગયો. તિજોરી માં જે કાંઈ હતું એણે મને બહાર ખેંચી લીધો એમ કહો તોય ચાલે. એ તિજોરી સોના, ચાંદી અને પૈસા થી ભરેલી હતી, એક ઉપર એક એમ નોટોના બંડલ ગોઠવાયેલા હતા. બધાજ બંડલ હજાર અને પાંચસોની નોટો ના હતા અને એમાં કોઈ નવાઈ ની વાત નહતી એ સામાન્ય હતું કે આટલા ભવ્ય ઘરના માલીકની તિજોરી માં પાંચસો અને હજારની નોટના બંડલ જ હોય પણ મેં તમને પહેલા જ કહ્યું કે મારા જીવન માં કંઇજ સામાન્ય નથી બનતું. એ નોટો ના બંડલ, સોના ચાંદી ના ઘરેણાં એ સિવાય પણ ત્યાં ઘણું બધું હતું !

અચાનક મારુ ધ્યાન તિજોરી ના છુપા ખાના પર ગયું. મેં એને ખેંચીને ખોલ્યું, હું સ્તબ્ધ થઈ ગયો એ ખાનું સોનાના બિસ્કિટ થી ખીચોખીચ ભરેલું હતું. મેં પેલી સ્ત્રી તરફ નજર કરી, એ હજુ ત્યાંજ પેલા ટેબલ પાસે ઉભી હતી, કદાચ એને મારા પર ભરોસો હતો એટલેજ તો પોતે એકલી હોવા છતાં મને ખજાનો ખોલવા બોલાવ્યો હતો. મેં એ સ્ત્રી તરફ જોઈ કહ્યું, “તો હવે હું રજા લઉં છું.”

પેલી સ્ત્રી જાણે મારા વાક્યથી ડરી ગઈ હોય એમ કહ્યું, “તમે જાઓ છો? ” તેના વાક્યમાં નવાઈનો ભાવ હતો. મને સમજાયું નહીં કેમ પણ હું દરવજો ખોલ્યા બાદ ત્યાંથી ચાલ્યો જાઉં એમાં મને તો કંઈ નવાઈભર્યું કે ચોંકાવનારું ન હતું લાગતું.

“તમે બેસો હું ચા બનવું.” એ સ્ત્રી એ કહ્યું. એનો અવાજ કોઈ વ્યક્તિ વર્ષોની માંદગી માંથી બહાર આવ્યું હોય તેવો હતો.

“હું ચા નથી પીતો.” મેં કહ્યું, ખરેખર તો હું ચા પીતો હતો, ચા મારી મનગમતી ચીજ હતી એમ કહો તો પણ ચાલે. પણ મને થયું કે આ બીમાર જેવી લાગતી સ્ત્રી ને હું શું કામ મેહનત કરાવું, ચા તો પીવી હશે તો બજાર માયે પી લેવાશે, પાંચ રૂપિયા માં થોડા ભિખારી થઈ જવાના, અને આમેય ક્યાં દિવસે અમીર હતા ?!!!

“ના,ના, તો હું કોફી બનાવું.” કહી એ સ્ત્રી એક ભવ્ય રસોઈઘર તરફ ગઈ અને જતાજતાં મને સોફા પર બેસવાનું કહેતી ગઈ.

હું સોફા પર બેઠો, સૌ પહેલા તો મને વિચાર આવ્યો કે કદાચ આ સ્ત્રીનું ચારિત્ર્ય ખરાબ હશે તેથી એ મને અહીં વધુ સમય રોકી પોતાની જાળ માં ફસાવવા માંગતી હશે. ગંદા માહોલમાં ઉછરેલા ગંદા માણસને કોઈ સ્ત્રી પ્રેમ થી જરાક બોલાવે તો પહેલો જ આ વિચાર આવે ને મને પણ એજ ગન્દો ખ્યાલ આવ્યો. પણ મેં એને ઉખાડી ફેંક્યો. ના મેં નહીં મારી મહત્વ કાંક્ષાએ એને ઉખાડી ફેંક્યો. મહત્વકાંક્ષા મહેલ માં રહેવું ને મોટરો માં ફરવું. મારા મનમાં એક બીજો વિચાર આવ્યો, ગંદો નહીં પણ ગાંડો વિચાર, હું આ એકલી સ્ત્રીને મારી નાખું ને તિજોરીમાં નો માલ લઇ નાસી જાઉં તો… ? પાછું થયું ના,ના, આ સ્ત્રી તો મારી મા જેમ દુખિયારી છે, પણ કહે છે ને કે મહ્ત્વકાંક્ષી વ્યક્તિ નો કોઈ ધર્મ નથી હોતો એ ગમે ત્યારે જધન્ય કાર્ય કરી શકે છે.

મને અંદરથી અવાજ કહેવા લાગી, “તારી મા તો મીલમાં મજુરી કરીને મરી ગઈ છે, આવા જ કોઈ અમીર માણસ ની મિલ માં… કાસળ કાઢી નાંખ આનું ને બનીજા અમીર, પૈસાદાર, લોકો તનેય સલામ મારશે પેલા મેઘુભા ની જેમ, તારું એ મહત્વ હશે. તને કોઈ ધનિયો નહિ કહે બધા ધનાલાલ કહી ને બોલાવશે.

કહેવાય છે વિનાશ કાળે વિપરીત બુધ્ધિ. હું સોફા પરથી ઉભો થયો અને રસોડા માં ગયો એ સ્ત્રી કિચન પ્લેટફોર્મ ના ટેકે માંડમાંડ ઉભી રહી ચા બનવી રહી હતી. તેની પીઠ મારા તરફ હતી, કિચન ટેબલ પર તૈયાર કિચન નાઈફ અને હત્યા કરવા ઉતાવળા થયેલ મારા હાથ બધુજ તૈયાર હતું મને થયું સાલું બાવીસ વર્ષે આજે નસીબ મારો સાથ આપી રહ્યું છે!!!!

મેં કિચન નાઈફ હાથમાં લીધી અને એ સ્ત્રી ની બરાબર પાછળ પહોંચી ગયો. એજ સમયે એ સ્ત્રી મારી તરફ ફરી, હવે તેની પીઠ મારા તરફ ન હતી, હું એક પળ માટે ડરી ગયો. હું કોઈ કાયમી હત્યારો કે રીઢો ગુનેગાર તો હતો નહિ આતો નસીબ જોગ મેળ પડી ગયો તો કે પછી કનસીબે ? મને એમ થયું કે આ સ્ત્રી હમણાં બૂમાબૂમ કરી મુકશે ને હું પકડાઈ જઈશ. મારા પગ ડગવા લાગ્યા છરી પરની મારી પકડ ઢીલી થવા લાગી પણ ના એ સ્ત્રી એ બૂમાબૂમ ન કરી, મારા હાથ માં છરી જોઇ છતાંયે એના ચહેરા ના ભાવ સુધ્ધાં માં કઈ જાજો ફેરફાર ન આવ્યો. મેં વધુ વિચારી સમય ખોવાને બદલે મારો છરી વાળો હાથ પાછળ ની તરફ ખેંચ્યો અને પછી વીજળી વેગે એ હાથ આગળ આવ્યો. છરી એ સ્ત્રી ના પેટ માં ઉતરી ગઈ. એ પ્લેટફોર્મ ના સહારે ત્યાંજ બેસી ગઈ.

એના મોઢામાંથી એક હરફ સુદ્ધાં ન નીકળયો ! હું તિજોરી તરફ જવા લાગ્યો, એ તરફ જતા પહેલા એના ચહેરા તરફ એક તિરસ્કાર અને નફરત ભરી નજર કરી, ગરીબી માં ઉછરવાને લીધે અને ઠેક ઠેકાણે મોટા માણસો તરફથી અપમાનિત અને હેરાન થવાના કારને મારી અંદર મોટા કહેવાતા પૈસાદાર માણસો પ્રત્યે બાળપણ થીજ નફરત ઘર કરી ગઈ હતી. એથી મેં એ સ્ત્રી તરફ નફરત ભરી નજર કરી પણ એના ચહેરા પર સ્મિત હતું, એ હસી રહી હતી મને નવાઈ લાગી. હું તિજોરી તરફ જવાને બદલે ત્યાંજ એની સામે બેસી ગયો.

“તમે કેમ હસી રહ્યા છો?” મેં કહયું, મને બધા લોકોને માનથી બોલાવવાની આદત પડી ગઈ હતી, ગરીબ માણસે એ આદત પાડવી જ પડે છે કોઈ તમને “એય ધનિયા” કહીને બોલાવે તોય “બોલો શેઠ” એમ માન પૂર્વક જવાબ આપવો પડે છે નહીંતર શું થાય? એ સમજાવી શકાય નહીં એ ગરીબ બની અનુભવવું પડે.

“થોડાક સમય માં મારા શરીર નું બધું લોહી નીકળી જશે, આમેય મારામાં કાઈ વધારે લોહી બચ્યું પણ નથી. હું મરી જાઉં એટલે મને નીચે ભોંયરામાં દફનાવી દેજે. કોઈનેય ખબર નહીં પડે. આસપાસ ના લોકો ને કહેજે કે તું મારો ભત્રીજો છે અને હું બીજે રહેવા ગઈ છું. આ ઘર ની જવાબદારી મેં તને સોંપી છે. તું આ ઘરનો માલીક બનીને આરામથી રહી શકીશ, તું જે સપનું છેલ્લા આઠ મહિનાથી જુવે છે તે સપનું પૂરું થઈ જશે… ” એ મહિલાએ તૂટક અવાજ માં કહ્યું.

હું સ્તબ્ધ થઇ ગયો, આ સ્ત્રી હું શું વિચારું છું એ કઈ રીતે જાણી શકે?

“તમને મારા વિચારો ની પહેલેથી જાણ કઇ રીતે હતી? જો તમને ખબર હતીકે હું તમારી હત્યા કરવાનો છું તો તમે મને અંદર બોલાવી આ તિજોરી કેમ બતાવી?” મેં નવાઈ પામી કહ્યું.

હું પેલી તિજોરી લૂંટવાની વાત તો બિલકુલ ભુલીજ ગયો.
એ સ્ત્રી એ કઈ જવાબ ન આપ્યો એટલે મેં ફરી પૂછ્યું, “તમે મને અંદર કેમ બોલાવ્યો?”

” આ માસણ તને સોંપવા માટે” એટલું બોલી એ અટકી ફરી બધી શક્તિ એકઠી કરી બોલી “હું ક્યારનીયે એનો વારસદાર શોધી રહી હતી, મેં તને છેલ્લા કેયલાય સમયથી આ ઘરને લાલચ ભરી નજરે જોતો નિહાળ્યો હતો. મને ત્યારેજ સમજાઈ ગયું હતું કે મને વારસદાર મળી ગયો છે.”

એટલું કહી એ સ્ત્રીએ દમ તોડી નાખ્યો, તે એ મહેલ ને છોડી ગઈ પણ એના ચહેરા પર કોઈજ દુઃખ ન હતું ! મરતાં સમયે એને ક્યાંથી હોય એને મન તો એ મહેલ એક શમસાન હતો.! મારા શરીરમાંથી એક ભયનું લખલખું પસાર થઈ ગયું….

મારા મનમાં ઘણા સવાલો હતા, એ સ્ત્રી ને વારસદાર જોઈતો હતો, એ મને બધું આપવા માગતી હતી તો કેમ તેણીએ મને કહ્યું નહીં? કેમ એવા સંજોગો ઉભા કર્યા કે જેથી હું લલચાઈ તેની હત્યા કરું? પણ હવે એ સવાલો ના જવાબ આપનાર કોઈ ન હતું. એ જવાબો હતા માત્ર એ સ્ત્રી પાસે અને એ હવે આ દુનિયામાં ન હતી. મેં ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો જેથી કોઈ આવી ન ચડે, આમ તો મેં ક્યારેય કોઈને હજુ સુધી આ ઘર માં જતા જોયું ન હતું. અડોસ પડોસ ના બધા મકાનો દૂર હતા અને આ સ્ત્રીને મેં ક્યારેય બહાર કોઈનાથી વાતચીત કરતા જોઈ નહતી.
હું એ સ્ત્રીની લાશ ને એક ચાદર માં લપેટી ભોંયરા માં લઇ ગયો. ત્યાં એને દફનાવવા માટે ખાડો ખોદીને તૈયાર કરેલો જ હતો. એ કેમ હશે એ લાંબુ વિચાર્યા વિના મેં એને એ ખાડામાં પધરાવી તે ખાડા ને માટી થી ભરી નાંખ્યો.

હું એ સ્ત્રીને દફનાવી ફોયર માં આવ્યો. મારુ ધ્યાન અચાનક ઘડિયાળ તરફ ગયું, એ એક ભવ્ય ઘડિયાળ હતી, તે લાકડામાંથી બનાવેલા એક સુંદર જહાજ ના આકાર માં બનાવેલી હતી. મારુ ધ્યાન ઘડિયાળ ના કાંટા પર ગયું, એ સવાબાર નો સમય બતાવતી હતી. ત્યાર બાદ હું એ ઘરને નિહાળવા લાગ્યો. લગભગ આખું ઘર જોતા મને બે કલાક જેટલો સમય લાગ્યો, હું થાકી ગયો હતો, એટલા મોટા મહેલ જેવા મકાન માં ફરવું એ મારા જેવા મજુરી કરનાર, ચોવીસ કલાક ચાલતા કુરિયર બોય તરીકે ફરનાર ને થાક લાગે એ જરાક અસામાન્ય હતું. કદાચ આજે આચરેલા પાપ નો બોજ વધારે હતો એટલે હું થકી ગાયો હતો !. મને ઊંઘ આવી રહી હતી. હું શયનખંડમાં રહેલા એક આલીશાન પલંગ પર જઈને સૂતો, પંદરેક મિનિટે તરફડીયા મારવા છતાંયે મને ઊંઘ ન આવી. ચાર બાય ચાર ની ખોલીમાં રહેનારને છ બાય છ ના બેડ પર ઊંઘ ક્યાંથી આવે? છતાંયે મેં ટૂંટિયું વાળીને પડ્યા રહેવાનો પ્રયાસ કર્યો પણ કાયમી જમીન પર ચાદર પાથરીને ઊંઘવાની આદત હતી એટલે એ વેંત જાડી ગાદી વાળું ડનલપ ક્યાંથી ફાવે?

હું બેડ પરથી નીચે ઉતરી જમીન પર સુઈ ગયો. હું ઉઠ્યો ત્યારે લગભગ ચાર વાગ્યા હતા. હાથ મોં ધોઈ હું રોજની આદત જેમ ચા ની તલપ અનુભવવા લાગ્યો. મેં મહેલ નો દરવાજો ખોલ્યો અને બહાર ગયો, દરવાજો બહારથી લોક કરી હું ઘર આગળ ની ખુલ્લી જગ્યા માંથી પસાર થઈ મેઈન ગેટ સુધી પહોંચ્યો, દરવાજો ખોલ્યો અને મેં બહાર પગ મુકવાની કોશિશ કરી પણ વ્યર્થ, બધું નકામું હું એ ઘરની હદ બહાર ન જઈ શક્યો. મારા પગ અદશ્ય બેડીઓથી બંધાઈ ગયા હતા. હું સમજી ગયો કે હું એ મહેલ માં કેદી બની ગયો હતો. મેં બુમો પાડી પણ કોઈને મારો અવાજ સંભળાયો નહીં. દરવાજા બહાર જવા મેં કલાકો સુધી તરફડીયા માર્યા પણ કોઈ અર્થ સર્યો નહિ એક અદ્રશ્ય શક્તિ મને રોકતી હતી…. ! અંતે હું થાકીને અંદર ચાલ્યો ગયો.

મેં બધું જાણવા આખો મહેલ તપાસ્યો અને એ વાત ને આજે ત્રણ મહિના થઈ ગયા છે. હવે હું જાણું છું કે એ સ્ત્રી એ મને અંદર કેમ બોલાવ્યો હતો. એ સ્ત્રી એ એક અમીર વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ તેની મિલકત લેવા તેને મારીને એ ભવ્ય મકાન માં દફનાવી દીધો હતો ને ત્યાર થી એને રોજ રાત્રે ઘર માં ભયાનક અવાજો સંભળાવા લાગ્યા, એ ઊંઘી ન સકતી, ખાઈ ન સકતી કે એ ઘરની બહાર નીકળી ન શકતી. બસ એ શ્રાપ માંથી મુક્ત થવા એને મારા જેવા પાપી માનવની જરૂર હતી ને હું એને મળી ગયો. એ શ્રાપ માંથી મુક્ત થઈ ગઈ અને હું એ શ્રાપ સાથે બંધાઈ ગયો.

મારા માટે પણ રોજ સવારે છાપું આવે છે પણ હું વાંચી નથી શકતો, ઘર માં અખૂટ વસ્તુઓ છે ખવાપીવા માટે પણ હું ખાઈ નથી શકતો, આરામદાયક પલંગ છે પણ હું સુઈ નથી શક્તો. બસ બારી ના પડદા પાછળ થી પેલી બેન્ચ ને જોઉ અને વિચાર કરું છું ક્યારે આ ઘર નો નવો વારસદાર આવશે. મેં ભોંયરા માં મારા માપનો ખાડો બનાવી ને રાખ્યો છે રાહ જોઉં છું તો બસ દફન કરનારની….. ખબર નહિ મને ક્યારે મુક્તિ મળશે ? ક્યારે એ નવો વારસદાર આવશે ?

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *