પિતાને કાગળિયાં કરાવવા સરકારી ઓફિસોના ધક્કા ખાતા જોઇને દિકરી પોતે જ બની ગઇ કલેક્ટર

આજે ગ્રામ પંચાયતથી લઇને જીલ્લા પંચાયત સુધી બધે જે તે દસ્તાવેજો કરાવવા માટે થઇને વારંવાર ધક્કા ખાવાની જાણે ફેશન બની ગઇ છે ! કોઇ પણ કામ હોય;સામાન્ય આવકનો દાખલો કઢાવવા માટે પણ ઓછામાં ઓછા બે-ત્રણ ધક્કા તો સરકારી દફ્તરમાં ખાવા જ પડે…!આમાં ખરી પરેશાની સામાન્ય માણસોને હોય છે.ધારાસભ્યોના છોકરા કદિ ક્રિમીલેયર કઢાવવા લાઇનમાં ઉભતા નથી.જો કે,એની તો વાત જ અલગ છે !પણ સામાન્ય માણસને સરકારી દફ્તરમાં આવા દસ્તાવેજો કરાવતા ખાસ્સી પરેશાની ઊભી થતી હોય છે.

ટી.ડી.ઓ થી લઇને કલેક્ટર સુધીના કોઇ પણ ઉચ્ચ હોદ્દેદારની અમુક દસ્તાવેજો માટે સહીની જરૂર હોય છે.પણ આ હોદ્દેદાર સુધી પહોંચવું જ અઘરું બની જાય છે,એવરેસ્ટની ચોટી સમાન ! જો કે,આવા હોદ્દેદારો તો સામાન્ય સ્વભાવના અને સેવાભાવી હોય છે,પણ એના સુધી પહોંચવામાં જે લેવલ પાર કરવા પડે છે એ કાં તો સમય ખાઇ જાય છે અને કાં તો પૈસો ! આ પાસવાનોની પ્રથા હજી ભારતમાં ચાલુ છે.સામાન્ય ક્લાર્ક પણ તમને કહી દે કે,લાઇનમાં ઊભા રહો અને કાં તો ઢીલા કરો એટલે ફટ કરતાંક ને કામ કરી દઉં…!સામાન્ય માણસો પૈસો આપીને કામ કરાવી શકતા નથી માટે એનું બે કલાકનું કામ બે દિવસ સુધી લંબાઇ જાય છે.આ જોહુકમીની પ્રથા જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી ધક્કા ખાવા ફરજિયાત છે.

વાત છે મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાની.એક સામાન્ય કક્ષાનો માણસ ઘણાં દિવસથી દસ્તાવેજો માટે થઇને જીલ્લા મથકે ધક્કા ખાતો હતો.સરકારે જાહેર કરેલી યોજનાઓનો લાભ લેવા માટે થઇને અમુક દસ્તાવેજો કરાવવા જરૂરી હતા પણ પાસવાની અને ખાઉંધરી દફ્તરપ્રથાને લીધે એનું કામ લંબાયે જતું હતું.ઘણા દિવસથી આ માણસ તડકે અને ટાઢે આમથી તેમ દોડાદોડી કરતો રહેતો.

એની નવ વર્ષની નાની દિકરીએ પૂછ્યું – “પપ્પા ! તમે ઘણાં દિવસથી આ દોડધામ કરો છો,તો એ ના કરવું પડે એવું કંઇ ના થઇ શકે ?”પેલાં આદમીએ છોકરીના આ નિર્દોષ પ્રશ્નનો હસીને જવાબ દીધો – “બેટા ! થઇ તો શકે પણ એ માટે તારે કલેક્ટર બનવું પડે.”બસ,એ નવ વર્ષની અણસમજુ છોકરી કે જેને ખબર પણ નહોતી કે કલેક્ટર એટલે શું ? એણે તો તે દિવસથી જ ઠાની લીધું કે,મારે હવે કલેક્ટર સિવાય બીજું કાંઇ ના ખપે…!

છોકરી ધીમે-ધીમે મોટી થતી ગઇ.દિન-રાત એક કરીને અભ્યાસ કરવા માંડી.એને માત્ર એક જ સપનું દેખાતું હતું – મારે કલેક્ટર બનવું છે,જેથી કરીને મારા પિતા જેવા માણસોને સરકારી દફ્તરોની હેરાનગતી સહન ન કરવી પડે ! અને એ અદમ્ય મહેચ્છા બળથી લગાતાર મહેનત કરતી ગઇ.છોકરી સરકારી સ્કુલમાં જ ભણતી હતી.કોઇ જાતના ટ્યુશન વિના ! એમ કરતાં એ મોટી થઇ.એણે સરકારી એન્જીનયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.એ સાથે જ સિવિલ સર્વિસની પરિક્ષાની તૈયારીમાં પણ લાગી ગઇ.અને એક દિવસ એણે IASની પરીક્ષા ઉત્તીર્ણ કરી નાખી…!

આજે એ નવ વર્ષની છોકરી ૩૨વર્ષની કન્યા છે.અને તમિલનાડુના સેલમ જીલ્લામાં ૧૭૦ પુરુષ કલેક્ટરો બાદની સર્વપ્રથમ મહિલા કલેક્ટર છે…! નામ છે – રોહિણી ભાજીભાકરે.એણે બાળપણમાં કરેલો નિર્ણય ત્રેવીસ વર્ષે સાચો ઠર્યો !

રોહિણી ભાજીભાકરેએ પહેલાં મદુરાઇ જીલ્લાના કલેક્ટર તરીકે પણ સેવા આપેલી.એ પછી તે હવે તમિલનાડુના સેલમ જીલ્લામાં કલેક્ટર તરીકે ડ્યુટી બજાવે છે.અહિં તે સામાજીક યોજનાઓના નિર્દેશકની ફરજ બજાવે છે.એ મદુરાઇમાં તે ગ્રામીણ વિકાસ યોજનાઓમાં અતિરિક્ત કલેક્ટર અને પરિયોજનાઓના નિર્દેશક તરીકે પણ કામ કરે છે.

રોહિણી ભાજીભાકરે તેમના સરળ અને બધાંને સહાય પ્રેરક સ્વભાવથી સામાન્ય માણસોની વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.તેમણે તમિલ લોકો સાથે વાત કરવા ધીમે ધીમે તમિલ ભાષા પણ શીખી લીધી છે.મહિલા સશક્તિકરણ ક્ષેત્રે રોહિણી બનતું કરી છૂટે છે.

દરેક વ્યક્તિને તેની પાસેથી યોગ્ય જવાબ મળે છે.ગરીબ વ્યક્તિઓ માટે તેના દિલમાં રહેલી હમદર્દી તેને વધારે ખિલાવી દે છે.તે કહે છે કે,સરકારી શાળાઓમાં ભણીને પણ મહાન થઇ શકાય છે,જરૂર છે માત્ર સુવિધાઓની !આજે રોહિણી ભાજીભાકરે એક લોકપ્રિય યુવાશક્તિનું અને યુવાપ્રતિભાનું ચમકતું ઉદાહરણ છે.

Story Author – GujaratiTimes
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Tags:

1 thought on “પિતાને કાગળિયાં કરાવવા સરકારી ઓફિસોના ધક્કા ખાતા જોઇને દિકરી પોતે જ બની ગઇ કલેક્ટર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *