ગાજરના અચંબિત કરી દેનારા અનેક ફાયદાઓ

ગાજર એટલે શિયાળાનું બેસ્ટસેલર શાકભાજી ! ગાજર નામક આ કંદમુળ જેટલું ખાવ એટલું સારુ છે.અત્યારે આવા કંદમુળ તરફની લોકોની અવગણનાઓ જ તો છે રોગોનું કારણ…!ગાજર અનેક પીડાઓને હરે છે,અનેક રોગો માટે પણ ઔષધિ સમાન છે અને આથી તેમનું સેવન નિયમિત કરવું જ જોઇએ.શિયાળાના ચાર મહિના તો ગાજર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.માટે આ ચાર મહિના ગાજરનો ઉપયોગ રોજ કરવો જોઇએ.ગાજરનો સલાડમાં ઉપયોગ કરી શકાય,જ્યુસ બનાવી શકાય અથવા તેનો હલવો તો ખાસ્સો લોકપ્રિય છે…!

ગાજરના ફાયદાઓ જાણીને તમે નિયમિત ગાજર લેવાના આગ્રહી બની જશો એની ગેરેંટી સાથે વાંચો…

ગાજર શિયાળામાં થતો કંદમુળ પ્રકારનો પાક છે.શિયાળામાં દરેક ખેતરમાં ગાજરની એક ક્યારી તો જોવા મળે જ.

ગાજરના બે પ્રકાર છે.

૧.શિયાળામાં થતા લાલ અને લાંબા ગાજર અને
૨.બારેમાસ થતા કેસરી ગાજર.

એમાં લાલ ગાજર બહુ જ હિતાવહ છે.

ગાજરના ગજબ ફાયદાઓ :-

ગાજર ક્ષય એટલે કે ટી.બી.ના રોગમાં અક્સર છે…! હાં,રોજના ૧૦૦ મીલીલીટર ગાજરના રસ સાથે આમળાનો રસ લેવાથી ચોક્કસ પણે ટી.બી.માં રાહત થાય છે.આ સેવન શિયાળાના ચાર મહિના નિયમિત કરવું.

ગાજરમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય તેનું સેવન ટાયાબિટિસના દર્દીઓ પણ કરી શકે.ખાસ કરીને ગાજર કાચા ખાવામાં જેટલો લાભ છે એ ગજબ છે માટે બને તો કાચા ગાજર જ ખાવા.

વૃધ્ધ લોકો પણ નિયમિત ગાજર ખાય તો વૃધ્ધાવસ્થાની તકલીફો દુર રહે છે અને શરીરમાં થતો દુ:ખાવામાં રાહત થાય છે.

આંખો માટે તો ગાજર રામબાણ ઇલાજ છે.આંખોમાં નંબર,દુ:ખાવો કે રતાંધળાપણું હોય ત્યારે ગાજર ખાવાથી આંખો એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત બને છે.

બાળકો માટે પણ ગાજર એકદમ પૌષ્ટિક છે.અને બુધ્ધિવર્ધક છે.બાળકોની રાત્રે પથારીમાં પેશાબ કરવાની ટેવો છોડાવવા ગાજર ઉપયોગી છે.

ગાજરને પ્રાકૃતિક રૂપમાં જ અર્થાત કાચું ખાવાથી વધારે લાભ થાય છે. આમાં કેલ્શિયમ અને કેરોટીન હોવાથી નાનાં બાળકો માટે આ એક ઉત્તમ આહાર છે.રશિયાના ડોક્ટર મેકનિકોફના કહેવા પ્રમાણે ગાજરમાં આંતરડાંના હાનિકારક જંતુઓને નાશ કરવાનો અદભૂત ગુણ હોય છે.

ગાજર રક્ત શુદ્ઘ કરનારૂં છે. 10-15 દિવસ માત્ર ગાજરના રસ પર રહેવાથી રક્તવિહાર, ગાંઠ, સોજો અને પાંડુરોગ જેવા ચામડીના રોગોમાં પણ ફાયદો થાય છે. આમાં લોહતત્વ પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ હોય છે. આ સિવાય ગાજરમાં બાયોટીન, વિટામિન કે, સી, બી6, બી3, બી1, બી2, મલિબ્ડિનમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ જેવા પોષક તત્વો પણ મળી રહે છે.

ગાજર લોહીને શુદ્ધ કરે છે. આ સિવાય વારંવાર થતી ઉધરસ, પુષ્કળ કફ, માથાનો દુખાવો, વારંવાર ટોયલેટ જવું, ખાટા ઓડકાર, ગેસ, શરીર પીળું પડી જવું, ખીલ વગેરે સમસ્યા રહેતી હોય તો તમારી રોજિંદી ડાયટમાં ચોક્કસથી ગાજરનું સેવન કરો, આ તમામ તકલીફોમાંથી છુટકારો મળશે. ગાજરનું સેવન રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

ગાજર ત્વચા માટે પણ અત્યંત લાભદાયી છે.તેનાથી ત્વચા મુલાયમ બને છે.કરચલીઓ દુર થાય છે.ચહેરો નિખારયુક્ત બને છે.

ઉપરના જણાવેલા ફાયદા ઉપરાંત પણ ગાજરના અનેક ફાયદાઓ છે.માત્ર શરત એટલી કે શિયાળાના ચાર મહિના ગમે ત્યાંથી ગોતીને નિયમિત ગાજર ખાજો તો અનેક રોગો જાણે-અજાણે જ દુર થઇ જશે…!

Story AuthorGujaratiTimes
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *