ભગવાન ક્રિષ્નને પ્રિય એવી તાંદળજાની ભાજીના અદ્ભુત ગુણો

સદા નિરોગી રાખતી તાંદળજાની ભાજીના અદ્ભુત ફાયદાઓ –

તાંદળાની ભાજી આમ તો બારે મહિના થાય છે.એના પુખ્ત મોટા છોડ ત્રણેક ફુટની ઉંચાઇ સુધી પહોંચે છે.અને પછી નાના શાખાયુક્ત પર્ણોના વાહક બને છે.તેની મુખ્ય ધરી રતુંમડા બદામી રંગની હોય છે.પર્ણ ભુખરા લીલા રંગના થાય છે.સર્વ હિતકારી એવી તાંદળાજીની ભાજીનું બાફેલું શાક શરીર અને સ્વાસથ્ય માટે સર્વોત્તમ છે.

તાંદળાજીની ભાજી વર્ષોથી પ્રખ્યાત છે.માટે તેને આજકાલના ઉભરી આવેલા શાકભાજી તરીકે રખે માની લેવાની ભૂલ કરતાં…!કહેવાય છે કે,જ્યારે ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરના દુર્યોધનના દરબારમાં ભોજન અર્થે ગયા ત્યારે દુર્યોધને તેમનું અપમાન કર્યું.એ પછી કૃષ્ણએ દુર્યોધનના બત્રીસ જાતના પકવાનનો ત્યાગ કરી અને વિદુરજીને ત્યાં ગયા.વિદુરની સ્થિતી ગરીબ હતી.કૃષ્ણને વિદુર અને તેમના પત્નીએ પ્રેમથી તાંદળાજાની ભાજીનું શાક પિરસ્યું.કૃષ્ણએ તે ભરપેટ ખાધું.આ પરથી લોકસાહિત્યમાં એક ભજન પણ છે – “ઓધવજી ! ચાલો વિદુર ઘેર જાયે….”

આ વાત થઇ આ ભાજીના પૌરાણિક મહત્વની.હવે વાત કરીએ તેમના અદ્ભુત લાભોની –

તાંદળજાને “ઉકરડીની ભાજી” એવું અવજ્ઞાભર્યું નામ પણ આપવામાં આવ્યું છે.સર્વત્ર ઉપલબ્ધ હોવાને કારણે એનું આવું નામ પડ્યું છે,પણ તાંદળજાના ગુણ જોતાં એ ઉપેક્ષા કરવી જેવી ભાજી નથી.

એ શરીરમાંની બગડેલી અને દૂષિત થયેલી રક્તધાતુને સુધારનારી છે.પારો કે બીજી અન્ય ધાતુ ખાવાથી શરીરમાં તમામ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય છે ત્યારે જો તાંદળજાની ભાજી રોજ ખવડાવવામાં આવે તો શરીરમાં થયેલા મેટલ પોઇઝનિંગને એ સરળતાપૂર્વક ૪-૮ દિવસમાં બહાર કાઢી નાખે છે. શરીરની ગરમીમાં જૂનામાં જૂના તેમ જ હઠીલામાં હઠીલા રોગો આ તાંદળજાની ભાજીના સેવનથી મટે છે.

તાંદળજાને સંસ્કૃતમાં “વિષઘ્ન” નામથી ઓળખાય છે અને એટલે જ લગભગ બધાં વિષ માટે તાંદળજો સસ્તો, સરળ અને અસરકારક ઇલાજ છે. વીંછીના વિષ પર તથા સોમલના વિષના ઉતાર માટે તાંદળજાનો રસ સાકર નાખી પીવડાવવો. તાંદળજાના રસમાં સાકર નાખીને મૂળના કલ્કમાં કાળાં મરી નાખીને પીવડાવવાથી તમામ સ્થાવર તથા જંગમ વિષ દૂર થાય છે. આવા સમયે દરદીને તાંદળજાની ભાજી ખૂબ ખવડાવવી જોઇએ.

ગરમીને કારણે થતા રક્તના વિકારમાં જ્યારે શરીરમાં સખત ચળ આવતી હોય અને આખા શરીરની ત્વચા પર લાલ-લાલ નાની અનેક ફોલ્લીઓ થઇ હોય ત્યારે જો આ બાફેલી ભાજી આપવામાં આવે તો એ ખૂબ જ ગુણકારી નીવડે છે. આનાથી લોહીની શુદ્ધિ તો થાય જ છે, સાથે શરીરમાં હીમોગ્લોબિનની માત્રા પણ વધે છે.

સ્ત્રીઓના રોગોમાં પણ તાંદળજાની ભાજી અત્યંત ઉપયોગી છે. તાંદળજાનાં મૂળ સાફ કરી અને ચોખાની કાંજી અને રસાંજન સાથે આપવાની સ્ત્રીઓને થતો અત્યાર્તવ (વધુ માસિક આવવું), ગર્ભનું ગળવું તેમ જ એનો યોગ્ય વિકાસ ન થતો હોય, ગર્ભસ્ત્રાવ થયો હોય, રક્ત તેમ જ શ્વેત પ્રદર અને પેશાબમાં થતી બળતરા પણ મટે છે. પ્રસવોત્તર માતાને જો યોગ્ય પ્રમાણમાં ધાવણ ન આવતું હોય તો એ માતાનું ધાવણ વધારે છે.

તાંદળજાના લઘુ હલકા ગુણને કારણે એ શરીરમાં સહજતાથી પચી જાય છે. આથી બાળક, દુર્બળ, વૃદ્ધ જ નહીં, સ્વસ્થ વ્યક્તિ માટે આ અત્યંત હિતકારી છે. તાંદળજો એક શ્રેષ્ઠ પથ્ય ભાજી અને અનેક રોગોનું એક સસ્તું, સુલભ અને સચોટ ઘરગથ્થુ ઔષધ છે.

બીજા પ્રકારની તાંદળજાની ભાજી કાંટાવાળી પણ હોય છે.એ પણ શરીર માટે અત્યંત લાભદાયક છે.બીજી પાણીમાં થતી તાંદળજાની ભાજી પણ શરીર માટે હિતકારી છે.

તાંદળજાને સંસ્કૃત આયુર્વેદમાં “સદાપાચ્ય” કહેવામાં આવેલ છે.તેનો અર્થ થાય છે – સદા માટે સેવનને લાયક.ગમે ત્યારે ખાવ ગુણદાયક જ છે ! આ ભાજી શિયાળા અને ચોમાસામાં વિપુલમાત્રામાં જોવા મળે છે.ખેતરમાં તે પાક સાથે ઉગી નીકળે છે.શિયાળાના પાકમાં ખેતરમાં તે વિપુલ માત્રામાં મળી જાય છે.ખાસ કરીને ઘઉંમાં તે ઉપલબ્ધ રહે છે.કારણ કે,ઘઉંમાં નિંદામણ પ્રક્રિયા કરવામાં આવતી નથી.

માટે જો ખબર ના હોય તો અહિં આપેલા ફોટાઓ પરથી આ ભાજીને ઓળખી લેજો અને હવેથી તેનું સેવન ચાલુ કરી દેજો.ભાજીને બાફીને ખાવામાં જ બહુ લાભ છે એ યાદ રાખજો…!

Story AuthorGujaratiTimes
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *