ગૌરક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજનો ઇતિહાસ

ભાથીજી મહારાજનો ઇતિહાસ

આજે ગુજરાતના ગામડે-ગામડે બે જીવતજાગ દેવતારૂપી શુરવીરોની આરાધના થાય છે.એક છે વચ્છરાજ સોલંકી ઉર્ફે “વાછરાદાદા” અને બીજા ફાગવેલના વીર ભાથીજી મહારાજ.આ બંને શહિદ વીરોને ગુજરાતના લોકો આજે પણ એમના ભૂમિપ્રેમ,ગૌરક્ષા અને સ્ત્રીરક્ષા ટેક માટે વંદન કરે છે.

આજે પણ ગામમાં કોઇને એરુ આભડ્યો હોય એટલે કે સર્પદંશ થયો હોય,કોઇનું ઢોર માંદુ હોય તો વાછરાદાદાની અથવા ભાથીજી મહારાજની માનતા માનવામાં આવે છે,એને પ્રાર્થના કરવામાં આવે છે.અને એ વાત સત્ય છે કે,મોટા પાયે આ પ્રાર્થના ફળે છે…! અને બાદમાં લોકો માનતા પ્રમાણે ગામના અથવા બાજુના ગામમાં આવેલા મઢમાં નેવૈદ્ય ધરાવે છે.

અને આ પ્રથા પાછળ કોઇ અંધશ્રધ્ધાના બણગાં ફુંકવાનુ કારણ નથી.અમુક પરિસ્થિતી તમને ઇશ્વરીય શક્તિમાં અટલ શ્રધ્ધા મુકાવી જ દે છે.અહિં ફાગવેલના રણબંકા ભાથીજી મહારાજ વિશેના ઇતિહાસ અને પરંપરાઓની થોડી ઝાંખી કરાવી છે :

ભાથીજી મહારાજનો જન્મ :

ઐતિહાસિક નોંધો તપાસતા એ જણાઇ આવે છે કે,ડાકોરના રહિશ અને ભગવાન કૃષ્ણના પરમભક્ત વિજયસિંહ બોડાણા જ્યારે પ્રથમ વખત દ્વારિકાની યાત્રાએ ગયેલા ત્યારે તેઓ પાટણના જયમલ રાઠોડ સાથે તેમના સંઘમાં જોડાઇને ગયા હતાં.ભક્ત બોડાણાથી તો કોણ અજાણ હોય…!ભગવાન કૃષ્ણને દ્વારિકાથી ડાકોર લઇ આવનાર મહાન પ્રભુભક્ત…!હાથમાં તુલસીનો છોડ ઉગાડીને દ્વારિકાની યાત્રાઓ કરનાર એક ધુની,મસ્ત અને અંતરાત્માને સદાનિર્મળ રાખનાર નરસૈયો એટલે બોડાણા…!

આ ભક્ત વિજયસિંહ બોડાણાને પોતાના સંઘમાં દ્વારિકાની યાત્રાએ લઇ જનાર પાટણના જયમલ રાઠોડના જ વંશની પેઢીઓમાં ખેડા જીલ્લાના કઠલાલ તાલુકામાં કપડવંજ પાસે આવેલા ફાગવેલ ગામ રાઠોડ તખ્તસિંહ થયા.તખ્તસિંહ એક ગરાસદાર હતાં.

તખ્તસિંહ રાઠોડના વિવાહ ચિખડોલના ગરાસિયાના પુત્રી અકલબા સાથે થયા હતાં.ઠકરાણા અકલબા અને તખ્તસિંહને ખોળે ચાર સંતાનો અવતર્યાં.બે પુત્રીઓ અને બે પુત્રો.પુત્રીઓના નામ સોનબા અને બીનજીબા હતાં.જ્યારે હાથીજી અને ભાથીજી નામના બે પુત્રો હતાં.હાથીજીને પણ આજે લોકો શ્રધ્ધાથી વંદન કરે છે,તેઓ પણ એક વીર હતાં.

વિક્રમ સંવત ૧૬૦૦ અને ઇ.સ.૧૫૪૪ના કારતક મહિનાના પડવાને દિવસે એટલે કે બેસતાં વર્ષને દિવસે ભાથીજીનો જન્મ થયો હતો.

મર્દાનગી અને સંસ્કૃતિનો રખેવાળ :

કહેવાય છે કે,ભાથીજી નાનપણથી જ તેજસ્વી,નીડર,કરૂણાશીલ અને લોકોના દુ:ખોને જાણનારા હતાં.તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી.લોકો તેમને લાડ કરતાં.ભાથીજી નાગદેવતાનો અવતાર મનાય છે.ભાથીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઇ આવેલું,ઉપસી આવેલું.આથી લોકો તેને કોઇ દેવતાઇ પુરુષ માનવા લાગેલા.

ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત-જાતને ગણકારી નહોતી.એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી અને તેમના બધાં દુ:ખો દુર કરવાની અને કોઇપણ સ્થિતીમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.આ જ વાત દર્શાવે છે કે,ભાથીજીની ખાનદાની કેટલી મહાન હતી…!

ગૌરક્ષક,નાગરક્ષક,અને ગરીબોના તારણહારની કીર્તિગાથા

ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી.તેઓ વીર હતાં,તલવારની ધાર પર તેણે ગાયમાતાની રક્ષા કરેલી અને ગૌસેવા કરેલી.કોઇ ગાયને કનડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી…!એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઇ ફરમાવેલી.નાગને તે દેવતાનો અંશ માનતા.સર્પ કદી જાણી જોઇને દંશ ના મારે,માનવી ભુલથી કે જાણી જોઇને તેના પર પગ મુકે,પ્રહાર કરે તો જ એ સ્વબચાવ માટે થઇને નાછૂટકે દંશ આપે છે.આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નીમ ભાથીજીએ લગભગ સાડા ત્રણસો વર્ષ અગાઉ નાખી હતી.સર્પને તે દેવતાઇ રૂપ માનતા.સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતાં.

ભાથીજી ગરીબોના બેલી હતાં.તેઓ ગરીબ,નિ:સહાય લોકોની સાથે હંમેશા ખડેપગે ઉભા રહેતા.તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે ! દિવસે દિવસે ભાથીજી મહારાજની યશગાથા ગાઉ-ગાઉના પંથ કાપતી પવનવેગી સાંઢણીઓની જેમ જવા લાગી.લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા.

લગ્નમંડપમાંથી રણસંગ્રામમાં

ભાથીજી મહારાજના લગ્ન દૂધાતલના ગિરાસદારના પુત્રી કંકુબા સાથે થવાના હતાં.જાન માંડવે આવી ચુકી હતી.ઢોલ વાગી રહેલા,શરણાઇઓ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળ સુરો રેલાવી રહી હતી.લગ્નમંડપમાં વેદીની ફરતે ભાથીજી ફેરા ફરી રહ્યાં હતાં.એવામાં આવીને કોઇકે ખબર દીધાં કે,ગામની ગાયોને દુશ્મનો પકડીને જઇ રહ્યાં છે.થઇ રહ્યું ! પલ પહેલાં શૃંગાર રસમાં દિપતો આ નરબંકો આંખના પલકારામાં વીર રસથી કાળજાળ કાલભૈરવ બની ગયો.

ઘોડી માથે પલાણ નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પાડ્યા.માટી થાજોની હાકલ કરી અને તલવારો વીંઝાવા લાગી.ઘણાંના ઢીમ ઢાળતી ભાથીજી રાઠોડની નાગણી સમાન તલવાર વીંઝાવા લાગી.એવામાં પાછળથી કોઇકે ઘા કર્યો.અનેક જીવોનો તારણહાર આ નરવીર પડ્યો.પણ ગાયોને તેમણે લઇ જાવા ન દીધી…!તેમની ચિતા પર કંકુબા પણ સતી થયા.ભાથીજીનું માથુ ખોળામાં લઇને આ આર્યરમણી બળી.હજી જેમનો પુરો પરિચય નહોતો એવા નરવીરને લઇને,ભરયુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્યનારીઓને લીધે જ તો આજે ધર્મ-સંસ્કૃતિ બચી છે !

મર્યા પછીની માનવતા

કહેવાય છે કે,ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઇ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે,લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધાં મારી માનતા રાખી મને યાદ કરે.જો બનવાકાળ નહિ હોય તો સર્પદંશ ઉતરી જશે.

અને આમ જ થાય છે એ તો શત પ્રતિશત્ સત્ય છે.અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે,જીવતદાન પામે છે.શ્રધ્ધાનો વિષય હો તો પુરાવાની શી જરૂર…!હાથીજીએ ભાથીજીના અવતારકાર્યમાં સહયોગ આપ્યો.તેમને પણ લોકો દેવતાઇ અંશ માનતા,તેમના દર્શન માટે આતુર બનતા.આજે હાથીજીની પણ પૂજા થાય છે.

આજે પણ અમર

આજે ગામેગામ ભાથીજીના મંદિરો,ડેરીઓ આવેલ છે.લોકો ભક્તિભાવ પૂર્વક ભાથીજી-હાથીજીને શીશ નમાવે છે.ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે.અહિં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતાં વર્ષને દિવસે મેળો ભરાય છે.ભાથીજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે.શ્રધ્ધાપૂર્વક લાખો લોકો ભાથીજી આગળ શિર ઝુકાવે છે.ભાથીજી વિશે અનેક આખ્યાનો,ભજનો આજે ગામડે-ગામડે ગવાય છે.

લોકો કહે છે કે,શ્રધ્ધા હોય તો ભાથીજી આજેપણ હાજરાહજૂર છે.આવા મહાન વીરોની કીર્તિમાં કદી ઓટ આવતી નથી,ભરતીના મોજા અવિરત ચાલુ રહે છે.ધન્ય છે અકલબાને જેમની કુખે આવા નરવીરે જન્મ લીધો…!

જનની જણ તો ભક્ત જણ,કાં દાતા કાં શુર
નહી તો રે’જે વાંઝણી,તારુ મત ગુમાવીશ નુર.

Story AuthorGujaratiTimes
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *