પદ્મનાભ મંદિર : અતુલ્ય ખજાનો ધરાવતુ ભારતનું રહસ્યમય ભવ્ય મંદિર

ઇ.સ.૨૦૧૧થી પદ્મનાભ સ્વામી મંદિરે ભારતભરમાં ચર્ચા જગાવી છે.એના ભંડારોમાં રહેલો ખરેખર જેની કિંમત ન આંકી શકાય એવો અલભ્ય ખજાનો જગતની સામે આવ્યો છે.જેટલી અદ્ભુતતા આ મંદિરને બહારથી જોતાં દેખાતી એનાથી વધારે અમૂલ્યતા તેના ભંડકિયામાં રહેલા સુવર્ણભંડારોમાં હતી એ દુનિયાએ ત્યારે પહેલીવાર જાણ્યું…!

પદ્મનાભ સ્વામીનું આ મંદિર કેરલ રાજ્યના તિરુવનંતપુરમ્ ખાતે આવેલ છે.ભગવાન વિષ્ણુના ભારતભરમાં રહેલા ૧૦૮ આરાધના સ્થળોમાંનુ આ મંદિર એક છે.અહિં ભગવાન વિષ્ણુની વિશાળ પ્રતિમા છે.ભારતના પ્રમુખ વૈષ્ણવ મંદિરોમાંનુ એક એવા આ મંદિર લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે.જગત સંચાલકની સામે સાષ્ટાંગ દંડવત્ કરવા માટે…!

પદ્મનાભ શબ્દમાં પદ્મ એટલે “કમળ” અને “નાભ” એટલે “નાભિ”.ભગવાન વિષ્ણુની વિશાળ અને ભવ્ય મૂર્તિમાં આ શબ્દોને અનુરૂપ ચિત્રણ થયેલ છે.ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં અનંત નામક શેષનાગની શૈયા પર વિશ્રામ અવસ્થામાં બિરાજમાન છે.એમની નાભિમાંથી પદ્મ અર્થાત્ કમળ પ્રગટ થયેલ છે.એ કમળની ઉપર બ્રહ્મા બીરાજમાન થયેલ છે.આ મૂર્તિ ભગવાન વિષ્ણુની વિશ્રામાવસ્થાની સુચક છે.પ્રભુ પાંપણો ઢાળીને ઘડીભર થાક ઉતારતા હોય એવો નજારો ઉપસ્થિત થાય છે.અનંત નાગની વાત પરથી આ જાણકારી પણ જાણી લો – ભગવાન વિષ્ણુની શૈયા બનેલ અનંત નાગ પરથી જ આ શહેરનું નામ “તિરુવ્ + ઘ્અનંતપુરમ્” અર્થાત્ તિરુવનંતપુરમ્ પડેલ હોવાનું કહેવાય છે.તિરુવનંતપુરમ્ આમ તો ઘણા સુંદર સ્થળોથી યુક્ત છે,પણ પદ્મનાભ મંદિર જગહ-એ-ખાસ છે…!

એક બાજુ ઘુઘવતો હિંદ મહાસાગર અને બીજી બાજુ પશ્વિમઘાટની રમણીય પહાડીઓની હારમાળા…!મંદિરની ભવ્યતાની સાથે આસપાસની પ્રકૃતિની સુંંદરતા મનમોહક છે.અને વળી એકદમ પ્રાકૃતિક વાતાવરણમાં હોય એવા આજુબાજુના લાલ ટાઇલ્સ ધરાવતા મકાનો પણ સુંદર નજારો સર્જે છે.કહેવાય છે કે,અહિં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્વયંભૂ રીતે મળી આવેલ અને ત્યારબાદ અહિં મંદિરનું નિર્માણ થયેલ.કોણે કર્યું ? નથી ખબર ! આ મંદિર ઘણું જ પ્રાચીન હતું.એક ઇતિહાસકાર તો કહે છે કે,કલિયુગના આરંભના દિવસે આ મંદિરનું નિર્માણ થયેલું…!આમ,મંદિરની સ્થાપનાની બાબતમાં કોઇ ચોક્કસતા નથી.

પદ્મનાભ મંદિરની રચના દંગ કરી દે તેવી છે.દક્ષિણ ભારતીય દ્રવીડ શૈલીની સ્થાપત્ય કલાનો આ એક ઉત્તમ નમુનો છે.મંદિરની દિવાલો પર અદ્ભુત ચિત્રણ થયેલ છે.જેમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના પ્રસંગો પણ વણી લેવાયા છે.મંદિરનું ભવ્ય ગોપુરમ્ [ પ્રવેશદ્વાર ] દુરથી જ નજરે ચડી આવતું ભવ્ય બાંધકામ છે.૩૦ મીટર એટલે કે લગભગ સાત માળ ઉંચું ગોપુરમ્ વિવિધ શિલ્પ કોતરણીઓથી અદ્ભુત નજરો ધારણ કરે છે.દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીમાં ગોપુરમ્ ની વિશેષતા અહિં બરાબર સાકાર થતી લાગે છે.આ ઉપરાંત પણ મંદિરની દિવાલો મનોહર શિલ્પોથી છવાયેલી છે.જોતાં જ લાગે કે,આની પાછળ કેવો પરિશ્રમ અને કેવી ઉત્કૃષ્ટતાની જરૂર પડી હશે…!

મંદિરની બહાર એક સુવર્ણસ્તંભ છે.જેની સાથે ટીપુ સુલતાનને પોતાનો ઘોડો બાંધવાની ઇચ્છા હતી,પણ કાર્તિકેય વર્મા ઉર્ફે “ધર્મરાજા”એ તેને આપેલ સજ્જડ હારના હિસાબે તે એવું ના કરી શક્યો…!આ ઉપરાંત મંદિરના ગલિયારામાં ૩૨૪ જેટલાં કોતરણીથી ભરપુર સ્તંભો આવેલા છે.જે મંદિરની ભવ્યતામાં ઔર વધારો કરે છે !

મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની પ્રતિમાના દર્શન કરવા માટે માત્ર હિંદુ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે.જેમાં પુરુષોએ ધોતી અને મહિલાઓ માટે સાડી પહેરવી ફરજીયાત છે.જે ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.ભગવાનના દર્શન કરવા માટે ત્રણ દ્વાર છે,જેમાંથી અલગ-અલગ દ્વારમાંથી પ્રભુની મૂર્તિના અલગ-અલગ ભાગોના દર્શન થઇ શકે છે.મંદિરનું વાતાવરણ એકદમ પવિત્ર અને ધાર્મિકતા ભર્યું છે.ધુપ-ગુગળની ફોરમ પ્રસરી રહે છે.આરતી વખતે થતાં શંખનાદો ભક્તિમયતાને પ્રબળ બનાવે છે.મંદિરમાં આવેલ કુલશેકર અને નવરાત્રિ મંડપ શોભનીયતામાં વધારો કરે છે.મંદિરની બાજુમાં પવિત્ર સરોવર આવેલ છે જે “પદ્મતીર્થ કુલમ” તરીકે ઓળખાય છે.

પદ્મનાભ મંદિર પહેલાં આટલું વિશાળ અને ભવ્ય નહોતું જેટલું ઇ.સ.૧૭૩૩માં અહિંના ત્રાવણકોર રાજ્યના મહારાજા માર્તંડવર્માએ પુન:નિર્માણ કર્યા પછી બન્યું…!મંદિરની સકલ ફેરવી નાખવામાં આવી એમ કહો તો ચાલે.આ સમારકામ વખતે મંદિરની વિશાળતાને વધારવામાં આવી.મંદિરમાંની શિલ્પ કોતરણીમાં પુષ્કળ જહેમત ઉઠાવવામાં આવી અને મંદિરને ભવ્ય રૂપ આપ્યું.આજે છે એ મંદિર ઇ.સ.૧૭૩૩માં પુન:નિર્માણ પામેલું.

વાત રહી ખજાનાની,તો એ વિશે આ વિગત – પદ્મનાભ મંદિર તિરુવનંતપુરમ્ નો આ વિસ્તાર નોંધનીય એવા ત્રાવણકોર રાજ્યમાં આવતો હતો.ત્રાવણકોરના મહારાજાઓને ભગવાન વિષ્ણુ અર્થાત્ પદ્મનાભ પર અતુટ શ્રધ્ધા હતી.તેઓ પોતાને  રાજા નહિ,બલ્કે “પદ્મનાભદાસ” તરીકે ઓળખાવતા…!મહારાજા માર્તંડ વર્માથી લઇને છેક સુધીના બધા જ રાજાઓએ આ નિયમ ચુસ્તપણે પાળ્યો હતો.તેઓ કહેતા કે,પોતે તો ભગવાન વિષ્ણુના નોકર છે ! રાજ્ય તો એ ચલાવે છે,અમે કોણ વળી ચલાવનારા…?આટલી શ્રધ્ધા અને ભક્તિ હતી તેમને પદ્મનાભ પર…!

એક પણ રાજાએ પોતાની પાસે જરૂરિયાત સિવાયની જરા પણ ધન કે ઝવેરાત રાખી નથી.આક્રમણોમાં વિજયથી મળતો અઢળક ખજાનો કે રાજ્યના વેરાની આવક કે જમીનની આવક…!પોતાની અને રાજ્યથી જરૂરિયાત સિવાયનું બધું જ અને બધાં જ રાજાઓએ – પદ્મનાભ સ્વામીના મંદિરમાં અર્પણ કરેલું…!તેઓ ચુસ્તપણે માનતા કે,આના પર સૌથી મોટો અને કાયદેસરનો હક ભગવાન વિષ્ણુનો છે;અમારા માલિકનો છે ! અને એને પ્રતાપે અત્યંત કિંમતી અને હજારેક વર્ષ જેટલાં પ્રાચીન કિંમતી રત્નો,ઝવેરાતો,સોનું,ચાંદી,હિરા-માણેક,નિલમ,પોંખરાજ જેવા અનેક રત્નોથી મંદિરના ૬ ગુફાઓ જેવા ભંડકિયાઓ ભરાઇ ગયેલા…!આ ખજાનાની કોઇ કિંમત નહોતી થઇ શકે એમ નથી.કહેવા પ્રમાણે તે ખજાનો ૨ લાખ કરોડની ઉપરનો છે પણ આ આંકડો ખોટો કહી શકાય.સાચો આંકડો આનાથી કેટલારે ગણો વિશાળ હોઇ શકે.કારણ કે આ માત્ર ખજાનો નથી,પ્રાચીનતા છે,વિરાસત છે.ભંડોળમાં રહેલા અમુક કિંમતી વાસણો અને પ્રતિમાઓ વગેરે તો કેટલાં વર્ષ પુરાણા હશે એ કહી શકાય એમ નથી.અને આવી વિરાસતોની કિંમત પૈસાના જોરે ન થાય એ તો સમજી શકાયને…!વળી,ભારત પાસે આ પુરાણી વિરાસતરૂપી ખજાના સિવાય બીજું છે પણ શું તે આની હરાજી કરવાની મૂર્ખામી કરી શકાય ? મયુરાસન – વેતરી ગયા,કોહિનુર – મારી ગયા,અલભ્ય પુસ્તકો – હિમાલયના રસ્તે તિબેટ પહોંચી ગયા જે હવે જડે તેમ નથી.

પદ્મનાભ મંદિરનો ખજાનો કોઇ વિદેશીની નજરમાં ન આવ્યો ? આવ્યો હતો ! ખાટકીને ગાય મળી જ રહે ! તો આટલો સુરક્ષિત કેમ રહ્યો ? અલબત્ત,ત્રાવણકોર સ્ટેટના પદ્મનાભદાસોને પ્રતાપે જ તો…!ઘણા આક્રમણ થયા હતાં,પણ ત્રાવણકોર રાજવંશે એકેયને ફાવવા ન દીધાં.આજે એક વાતની બહુ ઓછાને ખબર છે કે,ટીપુ સુલતાને પણ પદ્મનાભ મંદિરની દોલત પર લલચાઇને આક્રમણ કરેલું…!મંદિરને ખેદાન-મેદાન કરી તેના પરિસરમાં આવેલ સુવર્ણસ્તંભ સાથે પોતાનો અશ્વ બાંધવાની તેની ઇચ્છા હતી,પણ એ વખતના ત્રાવણકોર સ્ટેટના મહારાજા કાર્તિંક વર્માએ ટીપુ સુલતાનને ધુળ ચાંટતો કર્યો હતો…!

અને આ પદ્મનાભદાસોના પરાક્રમ બહુ જાણીતા હતા.તેમણે પોતાના રાજ્યને ચારતરફ વિસ્તાર્યું હતું.નૌકાયુધ્ધમાં વિદેશી કંપનીઓને હરાવી હતી.અને હાં,ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક એડમિરલને પોતાના સૈન્યમાં રાખેલો પણ…! આ વિરલ ઇતિહાસ હતો,જે આજે કમનસીબે ઓછો જાણીતો છે.અનેક યુધ્ધો થકી મળેલો ખજાનો પદ્મનાભ સ્વામીના ચરણોમાં મુકાઇ જતો.મંદિરમાં લોકોને અપાતી પ્રસાદી માટે પણ રાજાઓ પોતાને થતી આવકનો જ ઉપયોગ કરતા.એકવાર મુકી દિધેલી દોલતને પછી હાથ લગાડવાનો પણ તેમનો અધિકાર નહોતો…!આમ,અનેકગણા કિંમતી ઝવેરાત મંદિરના ભંડકિયામાં ભેગા થયાં.

ત્રાવણકોર સ્ટેટના રાજવંશની વિચિત્ર પ્રથા હતી કે,પોતાના દિકરાને નહિ પણ પોતાની બહેનના દિકરાને ગાદીએ બેસાડવાનો ! આઝાદી વખતે રામ વર્મા ગાદી પર હતાં.આઝાદ ભારત સંઘમાં જોડાવા માટે તેમની માંગ હતી કે,વિલિનીકરણ બાદ પણ આ પ્રદેશ પર હકુમત સરકારની નહી,બલ્કે ભગવાન વિષ્ણુની જ ગણાશે…!ઇ.સ.૧૯૪૯માં ત્રાવણકોર સ્ટેટનું ભારતસંઘ સાથે જોડાણ થયેલું.મહારાજા રામ વર્માએ ત્રાવણકોરને મેડીકલ,કોલેજ જેવી આધુનિકતાથી સજ્જ કરેલું.

ઇ.સ.૨૦૧૧માં પદ્મનાભ મંદિરના હંમેશ માટે બંધ રહેતા ખજાનાના ભંડકિયાના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે આ વંશના અંતિમ રાજા ઉત્રાટમ્ તિરુનાલ માર્તંડ વર્મા ૯૦ વર્ષની ઉંમરે પહોંચ્યા હતાં.અત્યાર સુધી જે મિલકત પર પોતે પણ હાથ નહોતા લગાવતા,એ ઝવેરા

ત પર હવે સુપ્રીમ કોર્ટના કહેવાથી પુરાતત્વ વિભાગની ટીમો સંશોધનો કરીને દુનિયાને દેખાડી રહી હતી…!ઘરડાં માર્તંડ વર્માને બહુ દુ:ખ થયું.એ નિરાશાને ભેગી લઇને જ તેઓ અવસાન પામ્યા.અત્રે ઉલ્લેખનીય છે કે,ઇંદિરા ગાંધીએ સલિયાણાનો ધારો નાબુદ કર્યાં પછી આ છેલ્લા વંશદિપક એવા માર્તંડ વર્માને ટ્રાવેલ્સના ચલાવવાના ધંધામાં ઝુકાવવું પડ્યું હતું…!કારણ કે,કાયમ પદ્મનાભ સ્વામી મંદિરે પ્રસાદિ આપવી તો ખરી ને…! અને એ માટે ખજાનાને એણે કદી હાથ નહોતો લગાડ્યો.અને એમની જ અંતિમ અવસ્થામાં મંદિરની ઝવેરાત પર દુનિયાએ બેફામ બફાટ કર્યો એ દયનીય હતું.ખ્રિસ્તી મિશનરીઓએ માર્તંડ વર્મા વિશે બોલવામાં બાકી ન રાખ્યું.કહેવાતા બુધ્ધિજીવીઓએ પણ બફાટો હાંકી…!

ઇ.સ.૨૦૦૭માં ભુતપૂર્વ આઇપીએસ અધિકારી ટી.પી.સુંદરરાજને આરોપ લગાવેલો કે,ગુપ્ત રીતે અહિં ખજાનો લદાયેલ છે.બાદમાં સુપ્રીમ દ્વારા તપાસ ચાલી.સુંદરરાજન પદ્મનાભ સ્વામીના નિત્ય દર્શન કરવા આવતો.પુરાતત્વ વિભાગે પાંચ ભંડકિયા ખોલ્યા.અનેક વર્ષોથી બંધ પડેલા આ ભંડકિયામાં અકલ્પનીય,અગણિત,માની ન શકાય એટલો અભૂતપુર્વ ખજાનો બહાર આવ્યો.અનેક મૂર્તિઓ,રત્નો,ઝવેરાતો,વાસણો,સોના-ચાંદી…!કિંમતની સાથે સદીઓ પુરાણી વિરાસત પણ હતી.ભગવાન વિષ્ણુની એક દેદિપ્યમાન સુવર્ણ મૂર્તિ પણ મળી આવેલ.અને એવું તો ઘણું બધુંં…!૨ લાખ કરોડની કહેવાતી મિલ્કતની હક્કીકત કદી આંકી શકાવાની નથી.

છઠ્ઠો અને અંતિમ ભંડકિયાનો દરવાજો [ જેને પુરાતત્વ વિભાગે ભંડકિયા-B નામ આપેલ છે. ] હજી સુધી ખુલવામાં આવ્યો નથી.એમાં પણ ખજાનો હોઇ શકે.સરકારે આ ખજાનો મંદિરમાં રહેવા દેવાનો નિશ્વય કર્યો હતો.અંતિમ દરવાજા વિશે ઘણી અફવાઓ ચગી છે કે,એ ખોલવાથી કેરળનો સર્વનાશ થઇ શકે અથવા તો પદ્મનાભ મંદિર નષ્ટ થઇ શકે…! અલબત્ત,આ માત્ર અફવાઓ હોઇ શકે પણ અંદર વિરાસત હશે એ તો નક્કી…!આ ભંડકિયાનો બહારનો એક દરવાજો તોડી પડાયો છે પણ અંદર લોખંડનો મજબુત દરવાજો સામે આવ્યો છે,જેના પર નાગના ચિહ્નો છે.સરકારે હવે આમાં હસ્તક્ષેપ ન કરવાનો નિર્ણય લીધો હતો.આખરે કંઇક તો હશે આ છેલ્લા અને અંતિમ ભંડકિયામાં જે અજાણ છે…!

આજે ઘણાં બુધ્ધિજીવીઓ કહે છે કે,આ ધન ગરીબોને દાન કરી દેવાની જરૂર છે.પણ નગેન્દ્ર વિજય કહે છે તેમ – દાન કરવું હોય તો સ્વીસ બેંકો ભરી છે એમાંથી કરાય…!અને આ વેડફી દેવાની કે હરાજી કરીને રકમ ઉપજાવવાની વસ્તુ નથી.આ વિરાસત છે,જે કદી ફરી મળવાની નથી.ભારત પાસે આવી વિરાસતો બહુ ઓછી છે.આની જાળવણીની જરૂર છે,નહિ કે હરાજીની…!અને ત્રાવણકોર સ્ટેટના મહારાજાઓએ જે ભંડકિયામાંથી કદી એક પાઇ નહોતી લીધી,ઉલ્ટાનું પોતાને મળેલ તે બધું ભગવાન વિષ્ણુને અર્પણ કરેલ.તેના મનફાવે એમ કહેવું એ મૂર્ખતાની નિશાની નહીં તો બીજું શું છે ?બાય ધ વે,આ મંદિર અને એમાં રહેલ ભંડોળ એ પવિત્રતાની જ નિશાની છે.

Story Author – GujaratiTimes
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *