તો આ રીતે થઇ આપણા ગરવી ગુજરાત ની સ્થાપના…જાણો

કેવી રીતે થઇ ગુજરાતની સ્થા૫ના ?

ઈતિહાસ બનાવનારા મહાનાયકો અલગ રસ્તે ચાલતા ચાલતા નવો સીરસ્તો બનાવે છે. ઈન્દુ ચાચા દેશના એવા પહેલા નેતા હતા જેઓએ ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર ધરાવતા હોવા છતા બિન કોંગ્રેસવાદને સૌથી પહેલી હાકલ કરી હતી. ગુજરાતના તેઓ એક માત્ર એવા નેતા હતા કે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીઓ જીતી હતી. કોશીશ કરીએ પક્ષ, સંસ્થા અને સંગઠનમાં સમાઈ ન શકે તેવા ઈન્દુલાલ યાજ્ઞિકને એક જનનેતા તરીકે જાણવાનો.

ગુર્જરધરાના મહાનાયકોની ચર્ચામાં લોકહ્રદયના બેતાજ બાદશાહ ઈન્દુલાલ યાજ્ઞિકનું નામ હંમેશા મોખરાની યાદીમાં રહેશે. મા ગુજરાતની ચળવળના નેતા અને આમ જનતાના રાજકારણમાં વિશ્વાસ ધરાવતા ઈન્દુ ચાચા પહેલી મે 1960ના રોજ સ્થપાયેલા ગુજરાત રાજ્યનું કારણ હતા.

મહાગુજરાત આંદોલનના મહાનાયક ઈન્દુચાચા

ગુજરાતના વિકાસ મોડલની છેલ્લા લગભગ બારથી તેર વર્ષથી ખૂબ ચર્ચા થાય છે. ગુજરાત મોડલના પ્રચારમાધ્યમોના ગ્લેમર તળે એક વાત હંમેશા ભૂલાતી રહી છે કે દરેક સિદ્ધિ, દરેક નવપરિવર્તનમાં જન-આંદોલનો અને લોકભાગીદારીનો મોટો ફાળો હોય છે. ત્યારે લોકશાહીમાં જનતાની સરકારોને ચરબી અને કાટ ચઢે નહીં તેના માટે વ્યાજબી અસંમતિઓ અને વિરોધનો અવાજ ઉઠાવનારા મોટાગજાના નેતાઓની જરૂરિયાત હોય છે. આઝાદી બાદ મોટાગજાના નહેરુ સરીખા નેતૃત્વ સામે પણ રાજાજી અને કૃપલાણીથી માંડીને જયપ્રકાશ અને રામમનોહર લોહિયા સુધીના લોકોએ વિરોધ અને અસંમતિનો અવાજ બુલંદ કર્યો હતો. ગુજરાતના પોલિટિકલ મોડલમાં આદર્શ નેતાઓમાં કોઈને સાંભરવા હોય તો કૃપલાણી જેમને મુક્કા-ભુક્કા યાજ્ઞિકજી કહેતા તેવા મહાગુજરાત આંદોલનના મહાનાયક ઈન્દુચાચાને ભૂલી શકાય તેમ નથી.

ઇન્દુ ચાચા

અપક્ષ ઉમેદવાર ઈન્દુલાલ યાજ્ઞિક કોંગ્રેસના ટેકાથી લોકસભામાં ચૂંટાયા હતા
ઈન્દુલાલે તરુણવયે નવજીવન અને સત્ય મેગેઝીન શરૂ કર્યું હતું. બાદમાં તેને ગાંધીજીના હાથે નવજીવનનું સ્વરૂપ મળ્યું. રોલેટ એક્ટના કાળા કાયદા સામે ગાંધીજીએ શરૂ કરેલી લડાઈના અઢાર લડવૈયાઓમાંથી એક ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેઓ મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે લોકસભામાં બેસતા હતા. આ મહાનાયકની કારકિર્દી અને કામગીરી આજીવન એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ રહી હતી. ઈન્દિરા ગાંધી કંઈક નવું કરશે તેવી આશા ધરાવનારાઓમાં પણ તેનો સમાવેશ થતો હતો. 1971માં ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં ગરીબી હટાવોના સૂત્ર હેઠળ વચગાળાની ચૂંટણીઓ યોજાઈ હતી. તેમાં અપક્ષ ઉમેદવાર ઈન્દુલાલ યાજ્ઞિક કોંગ્રેસના ટેકાથી લોકસભામાં ચૂંટાયા હતા. પરંતુ માર્ચ-1972માં લોકસભામાં વધતી મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્રોશપૂર્વક ભાષણ પણ કર્યું હતું. જો કે આ ઈન્દુલાલ યાજ્ઞિકનું છેલ્લુ ભાષણ હતું.

તેઓ દરિદ્રનારાયણની વાત કરે છે, પણ તેઓ મહેલમાંથી ઝૂંપડાં તરફ જુએ છે
જનવાદી મહાનાયકની ખાસિયતો તેમના જાહેરજીવનના વ્યવહારથી ટપકી હોય છે. ઈન્દુલાલ યાજ્ઞિકના શબ્દોને યાદ કરીએ તો “મારી વાત કેમ કેટલાક મિત્રો સમજી શકતા નથી? – મેં એ ઉપર વિચાર કર્યો છે. તેઓ દરિદ્રનારાયણની વાત કરે છે, પણ તેઓ મહેલમાંથી ઝૂંપડાં તરફ જુએ છે. ઝૂંપડાંમાંથી મહેલને જોવો અને મહેલમાંથી ઝૂંપડાંને જોવાં, એ બંનેમાં ભારે ફરક છે. હું તો ઝૂંપડીનો માનવી છું, પગથી પર જીવતો આદમી છું, ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબ કિસાનોની વચ્ચે બેસવું, એમની ઝૂંપડીઓમાં જવું અને એમની વિચારધારા ઝીલવી, એ મારું કાર્ય છે. એ શ્રમજીવીઓના શ્રમ અને આદર્શો તથા મારી સેવાનો સમન્વય સધાશે તો હું જે ક્રાંતિ કરવા ધારું છું એ કરી શકીશ. મારા ટીકાકારો યાદ રાખે કે ઘનઘોર અંધકાર હોય ત્યારે જ ઉષા પ્રગટ થાય છે અને કૂકડો નવપ્રભાતની આહલેક જગાવે છે. મારી એવી પ્રતીતિ છે કે આજે જો ઘનઘોર અંધકાર ફેલાયો છે તો શ્રમજીવીઓના ભવિષ્યના મંગળ પ્રભાતનો દિવસ નજીક આવી રહ્યો છે. આમાં મારી સફળતા નહિ હોય, એ તો વિરાટ શ્રમજીવી સમાજની હશે. હું તો એ શ્રમજીવી વિરાટનો હાથ પકડી આગળ વધીશ, એની સાચી ઉન્નતિ અને શાંતિ માટે જીવીશ અને મરીશ તો પણ એ કાર્ય કરતાં જ.”

મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના
પદલાલસાથી પર રાજનેતા. જનનેતામાં ઈન્દુલાલ યાજ્ઞિકનું નામ મુકવું જ પડે. મહાગુજરાત આંદોલનના મહાનાયક તરીકે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન પદે પહોંચી શકે તેમ હતા. પરંતુ તેમને પદમાં નહીં.. પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઈન્દુચાચાનું ગુજરાતની જનતા પર ઘણું મોટું ઋણ છે. ઈન્દુચાચાની આગેવાનીમાં ચાલેલી મહાગુજરાતની ચળવળ પ્રજા કલ્યાણની રાજનીતિનો મજબૂત સંદેશ આપે છે.

લોકચાહનામાં ગાંધીજી અને સરદાર પટેલ બાદ જો કોઈનું નામ લેવું હોય તો મહાગુજરાત આંદોલનના મહાનાયક ઈન્દુલાલ યાજ્ઞિકનું લેવું પડે. ઈન્દુલાલ યાજ્ઞિકની મહાગુજરાતની માંગણીનો વિરોધ કરવા બાબતે ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાનોમાંથી એક એવા જવાહર લાલ નહેરુની અમદાવાદની જનસભામાં કાગડા ઉડ્યા હતા.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *