તો આવી છે આલિયા ભટ્ટ ની ફિલ્મ ‘રાઝી’..વાંચો ફિલ્મ ‘રાઝી’ નો રીવ્યુ

રેટિંગ  – 4/5 સ્ટાર

દરેક ભારતીયના મનમાં દેશ પ્રેમ જગાડી દેશે ‘રાઝી’

‘એ વતન મેરે વતન આબાદ રહે તૂ’ જેવી આ ફિલ્મની કેટલીક પંક્તિઓ જ પુરતી છે. જેને સાંભળીને તમારા મનમાં દેશ પ્રેમ જાગી જશે. ‘ફિલહાલ’, ‘જસ્ટ મેરિડ’ અને ‘તલવાર’ બાદ મેઘના ગુલઝારની ‘રાઝી’ તે દરેક વ્યક્તિ માટે એક સારી ભેટ છે, જેને દેશ માટે પ્રેમ છે. આ ફિલ્મ એક ભારતીય અંડરકવર એજન્ટની ઘટના સાથે પ્રેરિત છે. 1971માં જે દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ બની હતી તે સમયે અંડરકવર એજન્ટ કેવી રીતે પાકિસ્તાનથી જરૂરી માહિતી એકઠી કરીને ભારતની મદદ કરે છે, તે આ ફિલ્મમાં બતાવાયું છે.

ફિલ્મની સ્ટોરી

ફિલ્મની સ્ટોરી 1971 દરમિયાન ભારત-પાક વચ્ચે તણાવપૂર્ણ માહોલ દર્શાવે છે, જે બાદમાં યુદ્ધમાં પરિણમે છે. સ્ટોરીની શરૂઆતમાં પાકિસ્તાન ભારતને બરબાદ કરવા માટે યુદ્ધની તૈયારી કરી રહ્યું હોય છે. તેની જાણ કાશ્મીરી બિઝનેસમેન હિદાયત ખાન (રઝિત કપૂર)ને મળી જાય છે. હિદાયત વેપારના કારણે ઘણીવાર ભારતથી પાકિસ્તાન આવ-જા કરતા હોય છે અને તેની પાકિસ્તાની આર્મીમાં બ્રિગેડિયર પરવેઝ સૈય્યદ (શિશિર શર્મા) સાથે સારી મિત્રતા હોય છે. હિદાયત આ મિત્રતાનો સહારો લઈને દેશની રક્ષા માટે એક મોટો નિર્ણય લે છે. તે પોતાની દીકરી (આલિયા ભટ્ટ) માટે બ્રિગેડિયરના દીકરા ઈકબાલ (વિકી કૌશલ)નો હાથ માગે છે, જે આર્મી ઓફિસર છે. સહમત એક કાશ્મીરી છોકરી છે, જેને ખબર પણ નથી કે તેના પિતા પાકિસ્તાન સાથે તેનું ભવિષ્ય નક્કી કરીને આવ્યા છે. જોકે દેશ માટે પરેશાન પિતાને જોઈને સહમત આ સંબંધ માટે હા પાડી દે છે. સહમત હવે પોતાના પિતા અને દેશ માટે પાકિસ્તાનમાં ભારતની આંખ અને કાન બનીને રહેવા તૈયાર છે. આ પહેલા સહમત પોતાને એક જાંબાઝ જાસૂસ બનવાની તૈયારીમાં લગાવી દે છે અને તેને પાકિસ્તાન સાથેની લડાઈમાં રો એજન્ટ ખાલિદ મીર (જયદીપ અહલાવત) તૈયાર કરે છે. ઈકબાલ સાથે સહમતના નિકાહ થાય છે અને એક દીકરીથી વહુ બનીને તે ભારતની સરહદ પાર કરે છે. એક દુશ્મન દેશમાં પોતાના સાસરા અને પતિના દિલમાં જગ્યા બનાવે છે. સાથે-સાથે પાકિસ્તાન આર્મીમાં ચાલી રહેલા ષડયંત્રોની જાણકારી ભારત સુધી પહોંચાડે છે. એક આર્મી પરિવારની વચ્ચે રહીને દેશને જાણકારી પહોંચાડવી સહમત માટે મુશ્કેલ ભર્યું હોય છે, આ માટે તે એવા એવા નિર્ણયો લે છે જે તેણે ક્યારેય નહોતા વિચાર્યા. આ સમગ્ર સ્ટોરી વચ્ચે એક લવ-સ્ટોરી પણ જન્મે છે, જે સહમત અને ઈકબાલની છે. ફિલ્મ સાથે તમને આગળની સ્ટોરી વિશે પણ સરળતાથી અંદાજ આવી જાય છે.

એક્ટિંગ

આલિયાએ પોતાના એક્ટિંગના દમ પર સમગ્ર સ્ટીરો સારી રીતે નિભાવી છે. પડદા પાછળ તમને માત્ર આલિયાની સુંદરતા જ નહીં પરંતુ તેની એક્ટિંગ પણ એટલી જ પસંદ આવશે. પાક આર્મી ઓફિસરના પાત્રમાં વિકી કૌશલ ખૂબ જ સારો લાગે છે. એક રોયલ, સંતુલિત અને સારો વ્યક્તિ, જે પાકમાં ભારત વિરુદ્ધ થતી વાતોથી પોતાની પત્નીને થતા દુખથી બચાવે છે. રો એજન્ટની ભૂમિકામાં જયદીપ અહલાવતને જોઈને તમારું મન ખુશ થઈ જશે. રજિત કપૂર, શિશિર શર્મા, આરિફ જકારિયાએ પોત-પોતાના પાત્ર સારી રીતે ભજવ્યા છે. આલિયાના માતાના પાત્રમાં તેની રિયલ માતા સોની રાજદાનના ખૂબ ઓછા સીન છે. મેઘના ગુલઝાર તેના નિર્દેશકોમાં છે જેને કહાણી અને પોતાના પાત્રોને પકડવાનું સારી રીતે આવડે છે. તેમના નિર્દેશનની કળા તમારી નજરને એક પળ સ્ક્રીન પરથી હટવા નહીં દે. તેમના નિર્દેશનમાં એટલો પાવર છે કે સ્ટોરી સાથે સાથે તમે પાકિસ્તાનની સરહદમાં હોય તેવો અનુભવ કરશો.

મ્યૂઝીક

ફિલ્મમાં ‘દિલબરો’, ‘એ વતન’, ‘રાઝી’ અને ‘એ વતન’ (ફિમેલ) ચારેય સોન્ગ ખૂબ જ સારા છે. ‘એ વતન’ માટે મ્યૂઝિક ડિરેક્ટર શંકર-એહસાન-લોયની ત્રિપુટીએ લિજેન્ડ ગીતકાર ગુલઝાર સાથે હાથ મિલાવ્યો છે અને અરીજીત સિંહે પોતાના અવાજથી સોન્ગને સુંદર બનાવી દીધું છે. દીકરીની વિદાઈ પર ફિલ્માવેલું સોન્ગ ‘દિલબરો’ એક બાપ-દીકરીના સંબંધને નજીકથી દર્શાવે છે. ફિલ્મનું ટાઈટલ ટ્રેક ‘રાઝી’ આલિયાના જાસૂસ બન્યા બાદના સફરને દર્શાવે છે.

કેમ જોવી જોઈએ ‘રાઝી’

કોલેજમાં ભણતી છોકરીથી લઈને પાકિસ્તાનમાં રહીને ભારતની જાસૂસી કરનારી એક યુવતીની કહાણી, તે બધા જાણ્યા-અજાણ્યા ચહેરાઓની કહાણી દર્શાવે છે જેમણે દેશની સેવા માટે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું તેમ છતાં ક્યાંય પણ તેમનો ઉલ્લેખ કરાયો નથી અથવા તો થયો નથી. આવા રિયલ હીરોઝની અજાણી કહાણી આ ફિલ્મ કહે છે, જે તમને નિરાશ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *