બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે તેના મુંબઈ સ્થિત નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. સુશાંત સિંહ રાજપૂતે ટીવી સીરિયલોથી અભિયનની કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ તે બોલિવૂડમાં સફળ હીરો તરીકે ઉભર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક – ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં મેઈન લીડ તરીકેની યાદગાર ભૂમિકા ભજવી હતી. સુશાંત સિંહ રાજપૂત 34 વર્ષનો હતો અને તેણે ક્યા કારણસર આત્મહત્યા કરી તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
સુશાંત સિંહે આ ઉપરાંત કાઈ પો છે, શુદ્ધ દેશી, રોમાન્સ, કેદારનાથ, રાબતા, પીકે અને છીછોરે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેના આગામી રીલિઝ થનાર ફિલ્મ મુકેશ છાબરાની દિલ બેચારા હતી. સુશાંતે આત્મહત્યા કરી હોવાની જાણ તેના નોકરે પોલીસને કરી હતી. છેલ્લા થોડા સમયથી તે માનસિક તણાવ અનુભવત હોવાનું નજીકના વર્તુળોએ જણાવ્યું હતું પરંતુ સુશાંતે ક્યા કારણસર આ પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. બોલીવૂડના નવોદીત અભિનેતાએ આત્મહત્યા કરી હોવાના સમાચાર વાયુવેગે વહેતા થતા સમગ્ર મનોરંજન જગત આઘાતમાં સરી પડ્યું હતું.
સુશાંતે સૌપ્રથમ હિન્દી ડેઈલી સોપથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે સૌપ્રથમ કિસ દેશમાં હે મેરા દિલ નામની સીરિયલથી ટીવીમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તે પવિત્ર રિશ્તા સીરિયલથી લોકપ્રિય થયો હતો. આ જ સીરિયમાં તેની સામેની અભિનેત્રી અંકિતા લોખંડે સાથે તેની જોડીને દર્શકોએ ખૂબજ પસંદ કરી હતી.
સૂત્રોના મતે સુશાંત અને અંકિતાની કેમેસ્ટ્રી રીયલ લાઈફમાં પણ આગળ વધી હતી અને અભિનેતાએ અંકિતા સાથે સગાઈ કરી હતી જો કે થોડા સમય બાદ તે સગાઈ કોઈ કારણસર તૂટી ગઈ હતી.
આ અગાઉ 8 જૂનના સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનું મુંબઈના મલાડમાં બહુમાળી ઈમારત પરથી પડી જવાથી મોત થયું હતું. 28 વર્ષીય દિશાનું મોત પહેલા આત્મહત્યા હોવાનું ચર્ચાતું હતું જો કે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી છે. ત્યારબાદ એક સપ્તાહમાં જ અભિનેતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા અનેત તર્ક વિતર્ક ઉભા થયા છે.